એહમદ પટેલના પુત્ર ફૈસલે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત નકારી કાઢી

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના ખજાનચી, રાજ્યસભાના સાંસદ અને ગાંધી પરિવારના નજીકના ગણાતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલના પુત્ર ફૈસલે આજે કોઈપણ ચૂંટણી લડવા માટે ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે હું સેવાકીય પ્રવૃત્તિમાં સંકળાયેલો છું, કોંગ્રેસ જ્યાં પણ મારી સેવા માંગશે તે આપવા હું તત્પર છું.

લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામો અંગે જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં ભરૂચ બેઠક પરથી એવી વાત ચર્ચામાં આવી હતી કે એહમદ પટેલના પુત્ર ફૈસલ આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સ્વાભાવિક રીતે જ એહમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હોવાથી આ વાત અસ્થાને નથી. જો કે આજે ખુદ ફૈસલે આ વાતને રદિયો આપી દીધો છે.

વલસાડ જિલ્લા કોંગ્રેસના નેજા હેઠળ પારડી તાલુકાના કાર્યકરોની બુથ લેવલની બેઠકમાં કોંગ્રેસના નેતાઓ સાથે અહેમદ પટેલના પુત્ર ફૈસલ પણ હાજર રહ્યા હતા. ફૈસલ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હું સક્રિય રાજકારણમાં રહ્યો નથી. હું સેવાકીય પ્રવૃતિઓ સાથે જ સંકળાયેલો છું. જેથી એક સ્વંયસેવક તરીકે કોંગ્રેસ મને જે જવાબદારી આપશે તે નિભાવીશ. 

Related News