ભાજપઃ સુરત બેઠક માટે ડખો શરૂ, સુરતી ઉમેદવારને તક આપવાની માંગ સાથે બેનરો લાગ્યા

સુરત લોકસભાની બેઠક માટે ભાજપમાં ડખો શરૂ થઈ ગયાના એંધાણ મળી રહ્યાં છે. સુરતની બેઠક પર મૂળ સુરતીને જ ચૂંટણી લડાવવામાં આવે તેવી માંગણી સાથેના બેનરો લાગતાં મહેશ સવાણી, જનક બગદાણા જેવા નેતાઓનો વિરોધ હોવાની વાત સામે આવી છે.

સુરત બેઠક પર હાલમાં દર્શના જરદોશ સાંસદ પદે છે. એક રીતે જોવા જઈએ તો દર્શના જરદોશ વિરુદ્ધ કોઈ મોટી ફરિયાદ નથી અને જો તેમને સી. આર. પાટીલની જેમ રિપીટ કરવામાં આવે તો કોઈ ખાસ વિરોધ થાય તેમ પણ નથી. પરંતુ શરૂઆતમાં નીતીન ભજીયાવાળા રેસમાં રહ્યાં હતાં અને તેમને ટિકિટ મળે તેવું નિશ્ચિત લાગતું હતું. જો કે બીજી તરફ સૌરાષ્ટ્રના સામાજિક અને ધાર્મિક અગ્રણી એવા મહેશ સવાણીએ પણ ટિકિટ માંગતાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

મહેશ સવાણી સમાજસેવાના ક્ષેત્રમાં મોટું માથુ ગણાય છે. એટલું જ નહીં, જો તેમને ટિકિટ આપવામાં આવે તો સૌરાષ્ટ્ર લોબી અને પટેલ સમાજ બંને જ સચવાઈ જાય તેમ છે. જેથી તેમને પણ હવે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યાં છે. એટલી હદે કે તેમની ટિકિટ કન્ફર્મ જ છે તેવી વાતો ચર્ચામાં આવવા લાગી છે. જેથી મૂળ સુરતીને ટિકિટ આપવાની માંગ ઉડી જાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે.

તેવામાં આજે સુરતના કોટ વિસ્તારમાં સુરત બેઠક પર મૂળ સુરતી વ્યક્તિને જ ઉમેદવારી સોંપવામાં આવે તેવી માંગ સાથેના પોસ્ટરો લાગવા માંડ્યાં છે, જે સંકેત આપે છે કે ડખાની શરૂઆત થઈ ગઈ લાગે છે. ઉલ્લેખનીય છે કે સુરત બેઠક પર અગાઉ જનક બગદાણાવાલાનું નામ પણ ચાલ્યું હતું. જો મહિલાને ટિકિટ આપવાની વાત આવે તો દર્શિનીબેન કોઠિયા પણ દાવેદાર ખરા. આમ હવે ભાજપ મોવડી મંડળ સુરત બેઠકની ખેંચતાણનો ઉકેલ કઈ રીતે લાવશે તે જોવું રહ્યું.

Related News