ફોર્મ રદ્દ થતાં અપક્ષ ઉમેદવારનો કલેક્ટર કચેરીમાં આપઘાતનો પ્રયાસ

લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ થતાં તેણે કલેક્ટર કચેરીમાં જ હાથની નસો કાપી નાંખી, શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 
શહેરના પૂણા વિસ્તારમાં રહેતાં શીવા ચાવડા નામના એક યુવાને સુરત લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન આજે ફોર્મ સ્ક્રૂટિની એટલે કે ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 9 ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતાં અને 13 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યાં છે.
દરમિયાન શીવા ચાવડાનું ફોર્મ રદ્દ થતાં તે હતાશ થઈ ગયા હતાં અને તેણે કલેક્ટર કચેરીમાં જ હાથની નસો કાપી તેમજ શરીરે કેરોસીન જેવું જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભારે ધમાચકડી બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. તેણે પોતાનું ફોર્મ રદ્દ થતાં આવું પગલું ભર્યાનું જણાવ્યું હતું.
અલબત્ત સરકારી સૂત્રો પાસેથી એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે શીવા ચાવડાએ સુરત લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હોવા છતાં પોતાના ટેકેદારોમાં તેણે સુરતની બહારના લોકોને લીધાં હતાં. એટલું જ નહીં, શીવા ચાવડા સ્ક્રૂટિની પ્રક્રિયામાં પણ હાજર રહ્યાં ન હતાં, જેથી તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવી હતી.

Related News