ભાજપે બોમ્બ ફોડ્યો, રાજનાથ સિંહે કહ્યું ભાજપે ક્યારેય 15 લાખ આપવાનું વચન આપ્યું જ નથી

ભાજપ દ્વારા આજે બોમ્બ ફોડવા જેટલો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે ક્યારેય લોકોના ખાતામાં 15 લાખ આપવાનું વચન આપ્યું જ નથી. ભાજપના આ ખુલાસાના ઘેરા પ્રત્યાઘાત આવે તેવું લાગી રહ્યું છે. તો સાથે જ મીડિયા પણ 15 લાખનું વચન શોધી કાઢવા માટે ચકડોળે ચઢી ગઈ છે.

ભાજપના ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ભાજપે ક્યારેય પણ લોકોના ખાતામાં 15 લાખ આપવાનું વચન આપ્યું જ નથી. રાજનાથ સિંહના આ ખુલાસાથી મોટો રાજકીય ભૂચાલ આવે તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લાં ઘણાં વર્ષોથી કોંગ્રેસ સહિતના વિપક્ષો મોદી અને ભાજપ સરકારને સતત 15 લાખ રૂપિયાની યાદ અપાવીને ઘેરી રહ્યાં છે. જેથી હવે ભાજપે લોકોને 15 લાખ આપવાનું વચન ક્યારે આપ્યું હતું તે શોધવામાં કોંગ્રેસ, વિપક્ષો અને ખુદ મીડિયા પણ ચકડોળે ચઢી ગઈ છે.

આ અંગે ટીવી પર અનેક ડીબેટ પણ શરૂ થઈ ગયાં છે. જેમાં એવું દર્શાવાયું છે કે વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં હરિયાણામાં એક સભામાં આવી વાત કરી હતી. તેમણે એવું જણાવ્યું હતું કે સ્વિસ સહિત વિદેશની બેન્કોમાં ઘણા ભારતીયોનું મોટી સંખ્યામાં કાળુ ધન પડ્યું છે, જે પાછું લાવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ કાળુ ધન એટલું બધું છે કે જો તેને પરત લાવવામાં આવે તો દરેક ભારતીયોના ખાતામાં 15થી 20 લાખ રૂપિયા મફતમાં જ આવી જાય. 

અલબત્ત તમામ ડીબેટમાં હવે એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ક્યારેય પણ સ્પષ્ટપણે રૂ. 15 લાખ આપવાનું વચન આપ્યું જ નથી. રાજનાથ સિંહે પણ કહ્યું કે કાળા ધન પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. જે સંદર્ભે જ નોટબંધી અને જીએસટી જેવી કાર્યવાહી કરવામાં આવી. વિદેશમાંથી પણ કાળુ ધન પરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા, અલબત્ત તેમાં સફળતા મળી નથી તે પણ એક નક્કર વાસ્તવિકતા છે.

ત્યારે જોવાનું એ રહે છે કે લોકોને 15 લાખ રૂપિયા આપવાના વચનમાં હવે સાચું કોણ સાબિત થશે અને જુઠ્ઠું કોણ ગણાશે. 

Related News