બુધવારે મોદી ગુજરાતમાં, જુનાગઢ અને સોનગઢ ચૂંટણી સભાઓ ગજવશે

લોકસભાની ચૂંટણીના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાત આવી પહોંચશે. જ્યાં જુનાગઢ અને સોનગઢમાં બે જાહેરસભાઓને સંબોધન કરશે. 

નિયત કાર્યક્રમ પ્રમાણે જુનાગઢના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે મોદીની જાહેરસભાનું આયોજન સવારે નવ કલાકે કરવામાં આવ્યું છે. કહેવાય છે કે મોદી રાજકોટ ખાતે પહોંચ્યા બાદ ત્યાં ટૂંકું રોકાણ કરશે અને ભાજપી નેતાઓને મળી ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. ત્યારબાદ જુનાગઢ પહોંચી જાહેરસભાને સંબોધશે.

જુનાગઢથી તેઓ વ્યારાના સોનગઢ ખાતે પહોંચશે. સોનગઢના ગુણસદા ગામે સુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે બપોરે 12 વાગ્યાના સુમારે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અલબત્ત મોદી હળવા નાસ્તા કે બપોરના ભોજન માટે અન્યત્ર રોકાય તેવી પણ શક્યતા હોવાથી સોનગઢની સભામાં થોડો વિલંબ થઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા મોદીની સભા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં વહીવટી અધિકારીઓ ઉપરાંત પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

સોનગઢ ખાતેની સભા કાળઝાળ ગરમીમાં ભરબપોરે થવાની હોવાથી સભા મંડપમાં સ્પ્રિંક્લર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ગરમીથી બચી શકાય.

Related News