ભરૂચની બંધ પડેલી ફેક્ટરીમાં ધાડપાડુઓનો આતંક, ત્રણ રખેવાળોની હત્યા, ત્રણ ગંભીર

ભરૂચમાં એક કમકમાટી ઉપજાવનારી ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. ઊટિયાદરા ગામની બંધ પડેલી ફેક્ટરીમાં મંગળવારની મોડી રાત્રે 40 જેટલા ધાડપાડુઓ ત્રાટક્યા હતાં અને લૂંટના ઈરાદે આતંક મચાવ્યો હતો. ફેક્ટરીની રખેવાળી કરી રહેલાં 6 લોકોને બંધક બનાવી ઢોર માર માર્યો હતો, જેમાં ત્રણનાં મોત નીપજ્યાં છે જ્યારે અન્ય ત્રણની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચના કોસંબા પંડવાઈ રોડ પર ઊટિયાદરા ગામે પી. જી. ગ્લાસ પ્રા. લિ. નામે ફેક્ટરી ઘણાં સમયથી બંધ પડેલી છે અને તેની રખેવાળી માટે છ લોકોને રાખવામાં આવ્યા હતાં. મંગળવારની મધરાતે 40 જેટલા ધાડપાડુઓ લૂંટના ઈરાદે ફેક્ટરીમાં ત્રાટક્યા હતાં. શરૂઆતમાં તો રખેવાળોએ ધાડપાડુઓને પડકારી સામનો કર્યો હતો પરંતુ ધાડપાડુઓની સંખ્યા જોઈને તેઓ ડઘાઈ ગયા હતાં. ધાડપાડુઓએ તેમને બંધક બનાવ્યા હતાં અને ઢોર માર મારતાં ત્રણનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

ગંભીર રીતે ઘાયલ ત્રણ રખેવાળોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બેની હાલત પણ ગંભીર બતાવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસના ઉચ્ચાધિકારીઓ ડોગ સ્ક્વોડ, એફએસએલની ટીમ તેમજ મોટા કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતાં અને ધાડપાડુઓનું પગેરું દાબવા પ્રયાસ શરૂ કર્યો હતો. અલબત્ત હજુ સુધી તેમના કોઈ સગડ મળી શક્યા નથી.

Related News