બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને આંચકોઃ 2011ની જંત્રીના ભાવે જ ખેડૂતોને વળતર આપવા હાઈકોર્ટનો આદેશ

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હાઈકોર્ટે આજે ખેડૂતોને મોટો આંચકો આપ્યો છે. જમીનના વળતર પેટે ચાર ગણી રકમ આપવાની ખેડૂતોની માંગણી હાઈકોર્ટે ફગાવી દીધી છે. એટલે કે 2011ની જંત્રીના ભાવે જ જમીન સંપાદન કરવાને હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. એક અંદાજ મુજબ પ્રોજેક્ટ માટે મોટાપાયે જમીનોના સંપાદનની જરૂર પડતી હોવાથી 17000 કરોડ જેટલી રકમ તેને માટે ફાળવવામાં આવી હતી. અલબત્ત નવસારી આસપાસના કેટલાક ગામોના ખેડૂતોએ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. પ્રોજેક્ટમાં આવતી અંદાજે 5300 પ્લોટ જમીનો પૈકી અત્યાર સુધી લગભગ અડધી એટલે કે 2600થી વધુ પ્લોટોની જમીનોનું સંપાદન થઈ ચુક્યું છે.

પ્રોજેક્ટ માટે સરકારે 2011ની જંત્રીને બેઝ બનાવી તે મુજબ ખેડૂતોને વળતર ચુકવવાની શરૂઆત કરી હતી. જો કે કેટલાક ખેડૂતોએ પોતાની જમીનો ખુબ ઉપજાવ હોવાની દલીલ કરી હતી. એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટનું શરણ લીધું હતું અને જમીનનું વળતર હાલના બજારભાવ પ્રમાણે એટલે કે 2011ની જંત્રીથી લગભગ ચાર ગણા ભાવે ચુકવવા માટે અરજ કરી હતી.

અલબત્ત ગુજરાત હાઈકોર્ટે આજે ખેડૂતોની માંગ ફગાવી દીધી હતી અને 2011ની જંત્રીના ભાવે જ જમીન સંપાદન કરવા માટે સરકારને લીલીઝંડી આપી દીધી હતી. ખેડૂતોને આ મુદ્દે મોટો આંચકો લાગ્યો છે અને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો તેનો ઉગ્ર વિરોધ કરે કે પછી કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટનું પણ શરણ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે આજના હાઈકોર્ટના ચુકાદાના આધારે કહી શકાય કે બુલેટ ટ્રેન દોડતી કરવાનું આયોજન 2023 સુધીમાં શક્ય બનશે.

Related News