ઈરાનને કાબુમાં નહીં કરશો તો ક્રૂડના ભાવો અકલ્પનીય રીતે વધશે, અરામકો ઓઈલ રિફાઈનરી પર હુમલા બાદ સાઉદી પ્રિન્સની પ્રથમ વખત ધમકી

થોડા સપ્તાહ પૂર્વે સાઉદી અરબની અને વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતી અરામકો પર ડ્રોન વડે હુમલો થયો હતો, જેને પગલે વિશ્વભરમાં ક્રૂડના ભાવોમાં ઉછાળો આવ્યો છે. આ ભાવો વધુ ભડકે તેવી દહેશત પણ જોવાઈ રહી છે. ત્યારે આ હુમલા બાદ પ્રથમ વખત સાઉદીના ક્રાઉન પ્રિન્સે મોટી ધમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે જો હવે ઈરાનને કાબુમાં કરવામાં નહીં આવે તો ક્રૂડ ઓઈલના ભાવ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તેટલા વધી જશે.

સાઉદી અરબની અરામકો રિફાઈનરી પર ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતાં અને તેના બે પ્લાન્ટને નુક્સાન થતાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું હતું. જેને પગલે ક્રૂડના ભાવોમાં વિશ્વભરમાં ઉછાળો આવ્યો છે. ખુદ અમેરિકાએ પણ તેનો ક્રૂડ ઓઈલનો મોટો રિઝર્વ સ્ટોક ખોલવો પડ્યો છે. હુમલા માટે મુક્ય જવાબદારી તો યમન વિદ્રોહીઓએ લીધી હતી, પરંતુ વિશ્વભરમાં આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.

આ હુમલા બાદ હવે પ્રથમ વખત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને પોતાનું ચોંકાવનારૂં નિવેદન જાહેર કર્યું છે. તેમણે એક અંગ્રેજી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે જો હવે વિશ્વના દેશો ઈરાનને રોકવા માટે એક નહીં થશે તો ક્રૂડ ઓઈલના ભાવો અકલ્પનીય રીતે વધશે. સમગ્ર વિશ્વએ ઈરાન પર કાર્યવાહી કરવા માટે સામેલ થવું પડશે નહીંતર દુનિયાના તમામ લોકોને મોટું નુક્સાન થશે. ઈરાનને કારણે ક્રૂડ ઓઈલના ઉત્પાદન તેમજ સપ્લાયને અસર પહોંચશે અને તેના ભાવો એટલી હદે વધી જશે કે કોઈએ તેની કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.

ક્રાઉન પ્રિન્સે વધુમાં ઉમેર્યું કે ઈરાને ઓઈલ પ્લાન્ટ પર હુમલા કરી સાઉદી સાથે યુદ્ધની શરૂઆત કરી, પરંતુ સાઉદી તેની સાથે યુદ્ધ કરવા માંગતું નથી. કારણકે યુદ્ધની સમગ્ર વિશ્વમાં ગંભીર અસર પડશે, આર્થિક રીતે દુનિયા તૂટી જશે, જેથી આ મુદ્દે રાજકીય સમાધાન થાય તેવું સાઉદી અરબ ઈચ્છે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ રુહાની સાથે પરમાણુ સંધિના વિષયે વાતચીત કરવી જોઈએ જેથી મધ્યપૂર્વમાં ઈરાનના પ્રભાવને ખાળી શકાય. આ સાથે જ ક્રાઉન પ્રિન્સે અરામકો પર હુમલો કરવાના કૃત્યને નરી મૂર્ખતા સાથે પણ સરખાવ્યું હતું અને ક્રૂડના ભાવો વિષે સમગ્ર વિશ્વને ચેતવણીનો ઈશારો કર્યો હતો

Related News