હોંગકોંગમાં ચીની સરકાર વિરુદ્ધ છેલ્લા કેટલાક સપ્તાહોથી ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખાસ કરીને પ્રત્યાર્પણ બિલના વિરોધમાં લોકો હોંગકોંગના રસ્તાઓ પર ઉતરી આવે છે અને તોફાનો આચરે છે. ત્યારે નકાબ પર પ્રતિબંધના નિર્ણય સામે પ્રદર્શનકારીઓએ માસ્ક પહેરીને રેલવે સ્ટેશનો પર મોટી તોડફોડ કરી હતી, જેને પરિણામે આજે રેલવે સેવા ઠપ્પ થઈ ગઈ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હજારો પ્રદર્શનકારીઓ હોંગકોંગના માર્ગો પર ઉતરી આવ્યા હતાં અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. માસ્ક પહેરીને તોફાને ચઢેલા પ્રદર્શનકારીઓએ રેલવે સ્ટેશનો પર તોડફોડ કરી આગ ચાંપી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા લાઠીચાર્જ અને અશ્રુવાયુના સેલ છોડ્યા હતાં. આ તોફાનોને પગલે રેલવે સ્ટેશનો પર મોટું નુક્સાન થતાં મોટાભાગના જિલ્લાઓમાં ટ્રેન સેવા સદંતર બંધ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે હોંગકોંગ અગાઉ બ્રિટનના શાસન હેઠળ હતું અને ત્યારબાદ તેને ચીનને સોંપવામાં આવ્યું હતું. જો કે હોંગકોંગના લોકો ચીની કાયદાઓનો વિરોધ કરી રહ્યાં છે. થોડા સમય પૂર્વે હોંગકોંગમાં લવાયેલા પ્રત્યાર્પણ બિલનો ઉગ્ર વિરોધ છે. આ બિલ અટકાવ્યા છતાં પણ લોકોમાં ભારે રોષની લાગણી છે અને સ્વતંત્રતાની પણ માંગ ઉઠી છે.
ચીનની કોમ્યુનિસ્ટ સરકારના શાસનના 70માં દિવસની ઉજવણી પ્રસંગે પણ તોફાનો થયા હતાં જેમાં ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત નીપજતાં આંદોલન વધુ તીવ્ર બન્યું છે. ખાસ કરીને ચીનની સરકાર હોંગકોંગમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે, જેને પગલે લોકોએ નકાબ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.