અયોધ્યા છાવણીમાં ફેરવાયું, દુર્ગાપૂજા, દશેરા તેમજ દિવાળીના પર્વ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચુકાદા પૂર્વે અનિચ્છનીય ઘટના રોકવા તંત્રની કવાયત

મોદી સરકારે હવે સમગ્ર ધ્યાન કાશ્મીર પરથી હટાવીને અયોધ્યા તરફ કેન્દ્રીત કરવા માંડ્યું છે. સુરક્ષા દળોની વિશેષ કંપનીઓને અયોધ્યામાં તહેનાત કરવામાં આવી રહી છે. જેની પાછળનું કારણ દુર્ગાપૂજા, દશેરા તેમજ દિવાળીના પર્વો ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે ચાલી રહેલાં કેસ મુદ્દે છે.

એવી વિગતો સાંપડી રહી છે કે અયોધ્યા અને ઉત્ત્તર પ્રદેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સેનાની તહેનાતી વધારવામાં આવી રહી છે. ખાસ કરીને સુરક્ષા દળોની અનેક કુમકોને અયોધ્યા રવાના કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સુરક્ષા દળોના જવાનોના લાંબા સમયના રહેવા માટેની સગવડો પણ યુપીની રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે. તેનો સીધો મતલબ એ થયો કે અયોધ્યામાં હવે લાંબા સમય માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોની તહેનાતી રહેશે.

નોંધનીય છે કે ઓગષ્ટ મહિના પૂર્વે મોદી સરકારે કાશ્મીરમાં પણ કંઈક આવું જ કર્યું હતું અને ઓચિંતી સુરક્ષા જવાનોની તહેનાતી વધારી દીધી હતી. જેમાં સમગ્ર દેશ-દુનિયાનું ધ્યાન કાશ્મીર પર કેન્દ્રીત થયું હતું. ત્યારબાદ જ સરકારે 370 કલમ હટાવવાનો મોટો નિર્ણય લીધો હતો. હવે કાશ્મીરમાં મોટાભાગે બધું થાળે પડી રહ્યું છે અને નજરકેદ કરાયેલા 200 જેટલા સ્થાનિક નેતાઓને પણ મુક્ત કરવા માંડ્યાં છે ત્યારે તમામનું ધ્યાન હવે અયોધ્યા તરફ વાળવાનો સરકારનો પ્રયત્ન હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

એવી જાણકારી આપવામાં આવી રહી છે કે અયોધ્યામાં દુર્ગાપૂજા અને દશેરાના પર્વ નિમિત્તે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દુર્ગાપૂજા, રાવણદહનના આયોજકોને પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા કારણોસર જાહેરમાં ગુલાલની જગ્યાએ ફુલોનો ઉપયોગ કરવો. આ બંને પર્વ ધામધૂમથી ઉજવાશે અને તેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. સાથે જ દિવાળી સુધી રામલીલા જેવા ઉત્સવો પણ ચાલુ રહેશે અને દિવાળીમાં પણ અયોધ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા જોવાઈ રહી છે.

તેનાથી પણ વિશેષ વાત એ છે કે હવે ટૂંકમાં જ સુપ્રીમ કોર્ટ અયોધ્યા મુદ્દે ચુકાદો સંભળાવવાની છે. અયોધ્યા જમીન વિવાદના આ કેસમાં ચુકાદો હિન્દુ પક્ષ એટલે કે રામમંદિરના પક્ષમાં આવશે કે પછી મુસ્લિમ પક્ષ એટલે કે બાબરી મસ્જિદના પક્ષમાં આવશે તે મુદ્દે ભારે ઉત્તેજના છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી 17મી ઓક્ટોબર સુધી પૂર્ણ કરી દેવા અલ્ટીમેટમ આપ્યું છે અને ત્યારબાદ ચુકાદો એક મહિનામાં જ જાહેર થાય તેવી શક્યતા છે. જેથી આ ચુકાદા પૂર્વે અયોધ્યા શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે.

Related News