રાજકીય ફાયદો મેળવવા સરકાર અધિકારીઓને ટારગેટ બનાવતી હોવાનો 71 નિવૃત્ત બ્યુરેક્રેટ્સના આક્ષેપથી ખળભળાટઃ INX મીડિયામાં કાર્યવાહી મુદ્દે મોદીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

દેશમાં આજે બનેલા એક ઘટનાક્રમે હડકંપ મચાવી દીધો છે. હકીકતમાં નિવૃત્ત થઈ ચૂકેલા 71 બ્યુરોક્રેટ્સે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે અને તેમાં આઈએનએક્સ મીડિયા કેસમાં નાણાં મંત્રાલયના ચાર નિવૃત્ત અધિકારીઓ વિરુદ્ધ શરૂ કરાયેલી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. તેમણે એવો પણ આરોપ કર્યો છે કે સરકાર રાજકીય લાભ લેવા માટે નિવૃત્ત તેમજ સેવારત અધિકારીઓને ટારગેટ બનાવી રહી છે.

મોદીને લખવામાં આવેલા આ પત્ર પર પૂર્વ કેબિનેટ સચિવ કે.એમ. ચંદ્રશેખર, પૂર્વ વિદેશ સચિવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, પૂર્વ વિદેશ સચિવ સુજાતા સિંહ અને પંજાબના પૂર્વ પોલીસ મહાનિદેશક જૂલિયો રિબેરો સહિત અન્ય નિવૃત્ત અધિકારીઓની સહી છે.

પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે તેનાથી ઈમાનદાર અને મહેનતુ અધિકારીઓ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ખંચકાશે. પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે જુની ફાઈલો ખોલવા માટે એક નિર્ધારિત સમયસીમા હોવી જોઇએ, ત્યારબાદ ફાઇલ ફરીથી ખોલવામાં નહીં આવે.

અત્રે નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં સરકારે ગત મહિને નીતિ આયોગના પૂર્વ સીઇઓ સિંધુશ્રી ખુલ્લર, એમએમએમઈ મંત્રાલયના પૂર્વ સચિવ કે.પુજારી, નાણા મંત્રાલયના પૂર્વ નિદેશક પ્રબોધ સક્સેના અને આર્થિક વિભાગના પૂર્વ અવર સચિવ રવિન્દ્ર પ્રસાદ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ સેવારત ઉપરાંત નિવૃત્ત બ્યુરોક્રેટ્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Related News