મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવા સામે સુપ્રીમ કોર્ટે રોક લગાવી, 21મી સુધી યથાસ્થિતિ રાખવા આદેશ, પર્યાવરણ મંત્રાલયને પાર્ટી બનાવવા નિર્દેશ

ચક્ચારી બનેલા મુંબઈના આરે કોલોનીમાં મેટ્રો પ્રોજેક્ટ માટેના વૃક્ષછેદનના મામલે આજે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કરી છે અને વૃક્ષો કાપવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 21મી સુધી કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે અને 21મીએ સુનાવણી વેળા પર્યાવરણ મંત્રાલયને પણ કેસમાં પક્ષ તરીકે લાવવામાં આવે.

મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ માટે મુંબઈની આરે કોલોનીમાં 2600 કરતાં વધુ વૃક્ષો કાપવાનું સરકારે શરૂ કર્યું હતું, જે મુદ્દે ભારે હોબાળો થઈ ગયો હતો. શરૂઆતમાં જ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બોમ્બે હાઈકોર્ટનું શરણું લેવાયું હતું, પરંતુ કોર્ટે સ્ટે આપવાની ના પાડતાં શનિવારથી જ વૃક્ષો કાપવાનું શરૂ કરી દેવાયું હતું. જેનો ઉગ્ર વિરોધ થતાં 29 જેટલા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 100થી વધુ લોકોને અટક કરાયા હતાં.

દરમિયાન આ મુદ્દે કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટને એક પત્ર લખી તુરંત મધ્યસ્થી માટે અપીલ કરાઈ હતી. જેનું સંજ્ઞાન લઈને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ એક વિશેષ બેન્ચનું ગઠન કર્યું હતું. દરમિયાન આજે આ બેન્ચ દ્વારા સવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુઓમોટો સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રાથમિક રીતે જ વૃક્ષછેદનની કાર્યવાહી તુરંત રોકવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે વૃક્ષો કાપવાની પ્રક્રિયા તુરંત બંધ કરી તા. 21મીએ આગળની સુનાવણી સુધી યથાસ્થિતિ રાખવામાં આવે. આ ઉપરાંત કોર્ટે આ કેસમાં પર્યાવરણ મંત્રાલયને પણ પક્ષ બનાવવાનો નિર્દેશ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે સરકાર તરફે એવી દલીલ કરવામાં આવી છે કે જરૂરિયાત મુજબના વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે અને કદાચ હવે વધુ વૃક્ષો કાપવામાં નહીં આવે. પર્યાવરણ મંત્રી જાવેડકરે અગાઉ એવું કહ્યું હતું કે વૃક્ષો કાપવામાં આવે છે તો સાથે જ ઉગાડવામાં પણ આવે છે. વિકાસના કામો માટે મજબૂરી હોવાથી આવી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે પર્યાવરણ મંત્રાલયને પક્ષકાર બનાવ્યા બાદ આ કેસમાં આગળ શું થશે તે જાણવાનું ઉત્સુકતાભર્યું રહેશે.

મુંબઈની આરે કોલોની મુંબઈ શહેરનું ફેફસું ગણાય છે. પર્યાવરણ પ્રેમીઓનો દાવો છે કે આરેના જંગલને પગલે મુંબઈનું પર્યાવરણ જળવાયેલું રહ્યું છે. લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઈડ શોષાઈ પણ જાય છે. જો કે સરકાર તરફી એવો દાવો કરવામાં આવ્યો છે કે આરે જંગલ છે જ નહીં.

Related News