અમદાવાદીને કડવો અનુભવઃ ઝોમેટોના પીઝા ખરાબ આવ્યા અને ફરિયાદ કરી રિફંડના પ્રયત્નો કર્યાં તો સાયબર ચીટરો રૂ. 60 હજારનો ચૂનો લગાડી ગયા

અમદાવાદના એક ઈસમ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. હકીકતમાં તેમણે ઝોમેટોમાંથી મંગાવેલા પીઝા ખરાબ નીકળતાં રિફંડ માટેના પ્રયાસ શરૂ કર્યાં હતાં. ઝોમેટોની હેલ્પલાઈને તો ફોન રીસીવ કર્યો ન હતો પરંતુ ત્યારબાદ કોઈ ચીટરે તેમને ફોન કરી રિફંડના બહાને રૂ. 60 હજારની રકમ ઓનલાઈન ચાંઉ કરી લીધી હતી.

વિગતો એવી છે કે અમદાવાદના થલતેજ સ્થિત સુરધારા બંગ્લોઝમાં રહેતાં અને સાણંદમાં રેસ્ટોરન્ટ ચલાવતાં ઋષભ શાહે ઝોમેટોમાંથી પીઝાનો ઓર્ડર કર્યો હતો. જો કે પીઝા ખરાબ આવતાં તેમણે તે પરત કર્યાં હતાં અને રિફંડ મેળવવા માટે ઝોમેટોની હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. તે વખતે ઝોમેટોની હેલ્પલાઈને ઋષભ શાહનો ફોન રીસીવ કર્યો ન હતો.

અલબત્ત ત્યારબાદ કોઈ ચીટરે ઋષભને ફોન કરી પોતે ઝોમેટો હેલ્પલાઈનમાંથી બોલું છું તેવું કહ્યું હતું. ઋષભે રિફંડની વાત કરતાં ફોન કરનાર ચીટરે ઋષભને મેસેજ દ્વારા એક લિંક મોકલી હતી અને તે ભરીને પરત મોકલવા જણાવ્યું હતું. ઋષભે જ્યારે આ મેસેજની લિંકનું ફોર્મ ભરીને પરત મોકલ્યું ત્યારે તેમના ખાતામાંથી રૂ. પાંચ હજારની રકમ ઉપડી ગઈ હતી.

આટલું ઓછું હોય તેમ બે દિવસ બાદ ફરીથી કોઈ ચીટરનો ફોન આવ્યો હતો અને તમામ પૈસા ડેબિટ થઈ ગયા છે તેવું કહી મેં મોકલેલા મેસેજ મને ત્રણ વખત મોકલો તેવું ચીટરે ઋષભને કહ્યું હતું. કોણ જાણે કેમ પરંતુ ઋષભભાઈ ભેરવાઈ ગયા હતાં અને વિશ્વાસમાં આવી તેમણે ચીટરને ત્રણ વખત મેસેજ મોકલ્યો હતો. ત્યારે પાંચ ટ્રાન્જેક્શન મળી અંદાજે રૂ. 55 હજારથી વધુની રકમ ઋષભના ખાતામાંથી ઉપડી ગઈ હતી.

પોતે છેતરાયા હોવાનું ભાન થતાં ઋષભ શાહે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઋષભની ફરિયાદ નોંધી ચીટરોને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Related News