લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરેઃ કિંમતી ચીજોનું પારસલ છોડાવવાના બહાને ઠગે લાલદરવાજાની પરિણિતાને રૂ. 1.95 લાખમાં ઠગી

લાલ દરવાજા વિસ્તારમાં રહેતી એક પરિણિતા સોશીયલ મીડિયા પર એક્ટિવ ઠગબાજોના કારસામાં ફસાઈ હતી અને તેણે રૂ. 1.95 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે તેણે ભોળાભાવે મિત્રતા કરી હતી. પરંતુ બાદમાં ઠગમિત્રએ પરિણિતાનો વિશ્વાસ કેળવી એક પાર્સલ છોડાવવાના બહાને મોટી રકમનો વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

લાલ દરવાજા બંદુગરનાકા પાસે વિરલભાઇ સિધ્ધપુરા અને તેમનો પરિવાર રહે છે. જુલાઇ ૨૦૧૯ દરમ્યાન તેમની પત્નીને ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગમાં રાજેશ રાજકુમાર નામના એક વ્યક્તિનો સંપર્ક થયો હતો. બંને જણાંએ એકબીજાના મોબાઇલ ફોન નંબરોની આપ લે કરી હતી અને બંને જણાં વોટ્સ એપ પર વાતચીત કરતા થયા હતા.

આ દરમ્યાન રાજેશે વિરલભાઇની પત્નીનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો અને તેનો લાભ લઇ રાજેશે એક પાર્સલ મોકલાવ્યું હોવાનું પરિણીતાને કહ્યું હતુ. જેમાં સોના ચાંદીના દાગીના અને મોબાઇલ તથા વિદેશી ચલણી નોટો હોવાની લાલચ પણ પરિણિતાને આપી હતી. આ પાર્સલ મિત્રતાના ધોરણે આપવાનું રાજેશે કહ્યું હતું. જેથી પરિણીતા લોભમાં આવી ગઇ હતી અને આ પાર્સલ છોડાવવા માટે તેનો ચાર્જ ભરવો પડશે તેવું પણ જણાવ્યું હતું.

જેથી રાજેશભાઇ સહિત અલગ અલગ ત્રણ નંબરથી વિરલભાઇની પત્નીને ફોન કરી પાર્સલ છોડાવવાના બહાને બેંક ખાતામાં રૂ. ૧.૯૫ લાખ ભરવાનું કહેવાયું હતુ. જેથી લાલચમાં આવેલી પરિણીતાએ રાજેશના ખાતામાં રૂ. ૧.૯૫ લાખ ભરી દીધા હતા. બે મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં પણ પાર્સલ ન આવતા પરિણીતાએ રાજેશનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં પરિણીતાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related News