ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં ચાર લાખ કિલો, અંદાજે 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરાયો

ગાંધીનગરના રૂપાલ ખાતે નવરાત્રીના નવમા નોરતે પરંપરાગત પલ્લીનો કાર્યક્રમ યોજાયો હતો. વરદાયિની માતાની આ પલ્લીમાં ચાર લાખ કિલો એટલે કે અંદાજે 20 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. અંદાજે 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં.

રૂપાલમાં વરદાયિની માતાના જયઘોષની સાથે શ્રદ્ધાળુઓએ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ગામની શેરીઓમાં જાણે ઘીની નદીઓ વહેવા લાગી હોય તેવો ભાસ થયો હતો. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી, જે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. બાળકોનાં સ્વાસ્થ્ય માટે તેમને પલ્લીની પવિત્ર જ્વાળાનાં દર્શન કરાવવામાં આવ્યા હતાં.

ડુપ્લિકેટ ઘીનું વેચાણ ન થાય તેની તકેદારી રાખવા માટે ફૂડ અને ડ્રગ્ઝ કન્ટ્રોલની ટીમોએ સતત ચાંપતી નજર રાખી હતી. ઘીનો અભિષેક થતો હોવાથી ફાયરબ્રિગેડના જવાનો પણ પલ્લી સાથે સતત ફરતા રહ્યા હતાં. આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તે માટે મેડિકલની ચાર ટીમ એમ્બ્યુલન્સની સાથે યુજીવીસીએલની ટીમો પણ હાજર રહી હતી.

પુરાણો મુજબ પાંડવોએ ગુપ્તવાસ વખતે પલ્લીની શરુઆત કરી હતી. તે સમયે બનાવેલ સોનામાંથી બનાવાયેલી પલ્લી જો કે હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે જેમાં ક્યાંય પણ લોખંડનો બિલકુલ ઉપયોગ નથી થતો.

ઉત્સવ દરમિયાન 7 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉપરાંત દર્શનાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 500 જવાનો તથા 200 હોમગાર્ડ્ઝના જવાનો તહેનાત રહ્યાં હતાં.
વરદાયિની મંદિરની બનતી આ પલ્લી પણ સામાજીક સમરસતાનુ પ્રતિક છે. ગામના તમામ સમાજના લોકો આ પલ્લી બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરૂઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે.

Related News