રીંગરોડના કાપડ વેપારીનો નોકર સોફ્ટવેર ખરીદીના બહાને રૂ. 5.90 લાખ ચાંઉં કરી ગયો, રકમ પરત કરવા આપેલા ચેક રિટર્ન કરાવ્યા અને વેપારીને જાનથી મારી નાંખવા ધમકી આપી

ચોરી ઉપર સીનાજોરી જેવો અનુભવ સુરતના એક કપડા વેપારીને થયો છે. દુકાનમાં કામ કરતો એક નોકર સોફ્ટવેર ખરીદવાના બહાને દુકાનમાંથી રૂ. 5.90 લાખના ચેક લઈ ગયો હતો. જે તેણે પોતાના ખાતામાં નાંખીને રોકડી કરી લીધી હતી. ખાસ્સા સમય બાદ જ્યારે શેઠે સોફ્ટવેરની ઉઘરાણી કરી ત્યારે મામલો સામે આવ્યો હતો. વેપારીએ નોકરના પગાર સહિતની રકમ બાદ કરી તેની પાસેથી બાકીની રકમ 3.70 લાખના ચેકો લખાવ્યા હતાં. જો કે જ્યારે વેપારીએ આ ચેકો બેન્કમાં નાંખ્યા ત્યારે નોકરે ચેક સ્ટોપ પેમેન્ટ કરાવ્યા હતાં. એટલું જ નહીં, હવે પછી ઉઘરાણી કરી છે તે જાનથી મારી નાંખીશ તેવી ધમકી વેપારીને આપતાં છેવટે વેપારીએ પોલીસનું શરણ લીધું છે.

વેસુ કેપીટલ ગ્રીનમાં રહેતા સંજયભાઇ સત્યનારાયણ ખૈરાડી રીંગરોડ અનુપમ ટેક્ષટાઇલ માર્કેટમાં સર્વોપરી ઇન્ડસ્ટ્રીઝ નામથી કાપડનો ધંધો કરે છે. બે વર્ષ પહેલાં ઉધના ગામ દાગીના નગરમાં રહેતો આનંદકુમારસીંગ બ્રહ્મદેવસીંગ સંજયભાઈને ત્યાં નોકરી કરતો હતો. દુકાનમાં સોફટવેરની જરૂરીયાત ઉભી થતાં આનંદકુમારે સોફટવેર લેવા માટે સંજયભાઇ પાસેથી રૂ. ૫.૯૦ લાખના ચેકો મેળવ્યા હતા. આ તમામ ચેકો પોતાના ખાતામાં નાંખી વટાવી લીધા હતા.

સમય વિતી ગયા પછી પણ સોફટવેર નહીં આવતા વેપારીએ આનંદકુમાર પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ પૈસા ન હોવાનું જણાવી આનંદકુમાર હાથ ખંખેરી લીધા હતા. જેથી સંજયકુમારે તેના પગારના રૂ. ૨.૨૦ લાખ અને ખર્ચ પેટેના રૂપિયા આપ્યા ન હતા. બાકી નીકળતા રૂ. ૩.૭૦ લાખ માટે સંજયભાઇએ ઉઘરાણી કરતા આનંદકુમારે ચેકો લખી આપ્યા હતા.

પરંતુ આનંદકુમારે તમામ ચેકો બેંકોમાં સ્ટોપ પેમેન્ટ કરી ચેક રીટર્ન કરાવ્યા હતા. જેથી સંજયભાઇએ પૈસાની ઉઘરાણી કરતા આનંદકુમારે જાનથી મારી નાંખવાની ધમકી આપી પૈસા આપ્યા ન હતા. આ બનાવ સંદર્ભે સંજયભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related News