વેસુમાં બર્થ ડે પાર્ટીમાં ફાયરિંગના ચક્ચારી કિસ્સામાં પોલીસે બેને દબોચ્યા, પાલિકાના અધિકારીનો પુત્ર હરદત્તસિંહ વાંસદિયા અને અનિશ પટેલની ધરપકડ

થોડા સમય પૂર્વે વેસુમાં ખુલ્લી જગ્યામાં એક બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કરાયું હતું. જેમાં કેક કાપતી વેળા તલવારનો ઉપયોગ કરવા ઉપરાંત હવામાં ફાયરિંગ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. પોલીસ સુધી આ વાત પહોંચતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસે આ કેસમાં ફાયરિંગ કરનારા હરદત્તસિંહ વાંસદિયા અને બર્થ ડે હતી તે અનિશ પટેલની ધરપકડ કરી છે.

કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અમુક વાયરલ વીડિયો અને ફોટોઝે ધૂમ મચાવી હતી. ફોટા અને વીડિયોઝમાં એવું જોવા મળ્યું હતું કે એક ખુલ્લી જગ્યામાં બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. કેક કાપતી વેળા તલવાર જોવા મળી હતી તો બીજી તરફ જે યુવકની બર્થ ડે હતી તેની બાજુમાં ઉભેલો તેનો મિત્ર હવામાં પિસ્તોલ વડે ફાયરિંગ કરી રહ્યો હતો.

વાયરલ વીડિયો અને ફોટા ફરતાં ફરતાં પોલીસ સુધી પહોંચ્યાં હતાં અને કાયદાના લીરે લીરાં ઉડાવનારા આ કિસ્સામાં પોલીસ પર તપાસનું દબાણ વધ્યું હતું. જેથી પોલીસે એક ખાસ ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એવી વિગતો સામે આવી હતી કે વીડિયો વેસુની ગોએન્કા સ્કૂલ નજીકનો છે. જેની બર્થ ડે હતી તે અનિશ ઉમેશભાઈ પટેલ નામનો યુવક છે. જ્યારે જેણે ફાયરિંગ કર્યું હતું તે હરદત્તસિંહ વાંસદિયા છે. જેથી પોલીસે આ બંને યુવકોને દબોચી લીધાં છે અને આગળની તપાસ તેમજ કાર્યવાહી હાથ ધર્યા છે.

નોંધનીય છે કે હરદત્તસિંહ નામના જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તે સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં અધિકારી દિગ્વિજય વાંસદિયાનો પુત્ર છે. સોશિયલ મીડિયા થકી ચર્ચામાં તો એવું પણ આવ્યું છે કે બર્થ ડે ઉપરાંત પણ અન્ય કેટલીક ઈવેન્ટમાં તલવાર અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે ફાયરિંગ કરતાં ફોટા પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરાયા હતાં, જે અંગેની વિગતો મળતાં પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

Related News