IMFની ગંભીર ચેતવણી, દુનિયાના 90 ટકા દેશોમાં આર્થિક મંદીની દહેશત, ભારત જેવા દેશને સૌથી વધુ અસર થવાની શક્યતા

IMFએ આજે વિશ્વના દેશો માટે આર્થિક મંદી અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. દુનિયાના 90 ટકા દેશોમાં આર્થિક વૃદ્ધિ દર નબળો પડશે અને તેમાં પણ ભારત જેવા દેશ કે જ્યાં પહેલેથી જ આર્થિક મંદી ચાલી રહી છે અને વિકાસ દર રૂંધાઈ રહ્યો છે તેને ગંભીર અસર થઈ શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

IMF એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના નવા નિમાયેલા ડાયરેક્ટર ઈન ચીફ ક્રિસ્ટાલિના જોર્જિએવાએ આજે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વમાં આર્થિક સુસ્તીનો માહોલ દેખાઈ રહ્યો છે. જે આવનારા થોડા સમય માટે વિશ્વના 90 ટકા દેશોને ગંભીર અસર પહોંચાડે તેવી શક્યતા છે.

તેમણે ઉમેર્યું હતું કે ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશ કે જ્યાં પહેલેથી જ આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યાં વધુ ઘેરી અસર મંદીની રહેશે. હાલમાં ભારતના અર્થતંત્રમાં સુસ્તી જોવા મળી રહી છે અને જો સરકાર યોગ્ય પગલાં નહીં ભરશે તો મંદી વધુ ઘેરી બની શકે છે. સાથે જ ભારતનો વિકાસ દર સાતથી ઘટીના પાંચ ટકા પર પહોંચ્યો છે, ત્યાં વિકાસ દરને વધુ બ્રેક પણ લાગી શકે છે.

ક્રિસ્ટાલિનાએ વધુમાં ઉમેર્યું હતું કે વિશ્વના અમેરિકા, જાપાન જેવા વિક્સિત દેશોમાં પણ આર્થિક ગતિવિધિઓ નબળી પડી રહી છે. યુરોપમાં તેનાથી પણ વધુ ખરાબ હાલત હોવાનું જોવા મળી રહ્યું છે. ચીનમાં પણ ટ્રેડવોર ઉપરાંત અન્ય કેટલાક પરિબળોને કારણે અર્થતંત્રને મોટા આંચકા લાગી રહ્યાં છે. આવા તબક્કામાં ભારત ઉપરાંત બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોને વધુ નુક્સાન ભોગવવું પડે તો નવાઈ નહીં.

Related News