રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતને રૂપાણીને પડકાર, ગુજરાતમાં દારૂ નહીં મળે તો હું રાજનીતિ છોડી દઈશ, મળતો હોય તો રૂપાણી રાજકારણ છોડે

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ચારેક દિવસથી શરૂ થયેલી નિવેદનબાજીએ રાજકારણ ભડકાવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના વિવાદી નિવેદનબાદ રૂપાણીએ વળતો પ્રહાર કર્યો હતો. જો કે હવે ગેહલોતે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને સીધો જ પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં દારૂ નહીં મળતો હોય તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છું, પરંતુ જો દારૂ મળે તો રૂપાણી રાજકારણ છોડી બતાવે.

ગત પાંચમી ઓક્ટોબરે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વેળા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે દારૂબંધીથી કોઈ ફાયદો થતો નથી. તેમણે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ઘરે ઘરે દારૂ પીવાય છે. ગેહલોતના આ નિવેદનને ગુજરાત ભાજપે અપમાનજનક ગણાવ્યું હતું અને ગેહલોતે ગુજરાતના સાડા છ કરોડ લોકોનું અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે માફી માંગવા કહ્યું હતું. જેમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, સહિતના દિગ્ગજ નેતાઓએ ગેહલોત પર પ્રહાર કર્યાં હતાં.

દરમિયાન આજે ગેહલોત આક્રમક મૂડમાં જણાયા હતાં અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓના પ્રહાર સામે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે જો ગુજરાતમાં દારૂ નહીં મળતો હોય તો હું રાજનીતિ છોડી દેવા તૈયાર છું. પરંતુ જો ગુજરાતમાં દારૂ મળે છે તો રૂપાણી રાજકારણ છોડવાની તૈયારી બતાવે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના આવા નિવેદનથી રાજકારણમાં ફરી ભડકો થયો છે. એવું કહેવું ખોટું નથી કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી રૂપાણી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓને મોટો તમાચો પડ્યો છે. કારણકે એક રીતે જોઈએ તો ગેહલોતની વાત તદ્દન સાચી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ પીવાય જ છે. પરમીટથી કે પછી ગેરકાયદે દારૂ રાજ્યમાં મોટા પ્રમાણમાં પીવાઈ રહ્યો છે. ખુદ ગુજરાતની સરકારે પણ વિધાનસભામાં કેટલો દારૂ ગેરકાયદે ઝડપાયો તેના આંકડા આપ્યા છે, કેટલા લોકો દારૂ પીતાં ઝડપાયા તેના આંકડા પણ જાહેર થઈ ચુક્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપના દિગ્ગજો કોંગ્રેસી મુખ્યમંત્રીની ચેલેન્જ સ્વીકારશે કે કેમ.

Related News