દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ભત્રીજીને જ લૂંટી લેવાઈ

દિલ્હીમાં એક ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે. દિલ્હી ગયેલી વડાપ્રધાન મોદીની ભત્રીજીને લૂંટી લેવાઈ હોવાનું પોલીસ ચોપડે ચઢ્યું છે. ભત્રીજી દમયંતિબેન ગુજરાત ભવનની બહાર રીક્ષામાંથી ઉતર્યાં ત્યારે મોટરસાયકલ પર સવાર બે બદમાશો તેમના હાથમાંથી પર્સની ચીલઝડપ કરીને નાસી છૂટ્યા હતાં. પહેલાં તો પોલીસે આને મામૂલી કેસ ગણ્યો હતો, પરંતુ બાદમાં તેમને જ્યારે મીડિયા દ્વારા જાણ થઈ કે આ તો વડાપ્રધાનની ભત્રીજી છે ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા દોડાદોડ કરી મુકી છે.

વાત એમ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદની પુત્રી દમયંતિબેન કે જે સુરત ખાતે રહે છે, તેઓ પોતાના પતિ વિકાસ અને બે પુત્રીઓ સાથે અમૃતસરથી દિલ્હી પરત ફર્યાં હતાં. દિલ્હીના અત્યંત પોશ વિસ્તાર અને VVIP ગણાતાં સિવિલ લાઈન્સ સ્થિત ગુજરાત ભવનમાં તેમનો રૂમ બુક હતો. જેથી સમગ્ર પરિવાર દિલ્હીથી ઓટોરીક્ષામાં ગુજરાત ભવન પહોંચ્યાં હતાં.

જ્યારે દમયંતિબેન રીક્ષામાંથી નીચે ઉતર્યાં અને ગુજરાત ભવનના ગેઈટ પાસે પહોંચ્યાં ત્યારે મોટરસાયકલ પર આવેલા બે બદમાશો, દમયંતિબેનના હાથમાંથી પર્સ ઝુંટવીને પૂરઝડપે ફરાર થઈ ગયા હતાં. પર્સમાં 56 હજાર રૂપિયા રોકડા તેમજ અગત્યના દસ્તાવેજો હતાં. નવાઈની વાત એ છે કે સિવિલ લાઈન્સ અત્યંત પોશ વિસ્તાર ગણાય છે અને મુખ્યમંત્રીનું ઘર પણ ઘટના બની ત્યાંથી થોડે અંતર જ દૂર છે. જ્યારે દિલ્હીના વહીવટકર્તા કહેવાતા લેફ્ટેનન્ટ ગવર્નરનું ઘર તો માત્ર થોડા ડગલાં જ દૂર છે. ત્યારે આવા હાઈફાઈ વિસ્તારમાં આવી ઘટના બની તે ચોંકાવનારી વાત છે.

દમયંતિબેને પોલીસમાં ફરિયાદ તો નોંધાવી હતી પરંતુ પોતાની ઓળખ જાહેર કરી ન હતી. જેથી પોલીસે સામાન્ય રીતે કેસ નોંધી લીધો હતો. પરંતુ મીડિયા દ્વારા પોલીસને જાણ થઈ હતી કે ફરિયાદી વડાપ્રધાન મોદીના ભત્રીજી છે, ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. તુરંત દોડાદોડ શરૂ કરી પોલીસે પર્સ સ્નેચરોને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કરવા માંડ્યાં છે.

Related News