લસણના ભાવ ડબલ સેન્ચ્યુરી મારે તેવી ભીતિ, ચિંતાનો માહોલ

ડુંગળી, ટામેટા અને શાકભાજીએ લોકોને રડાવ્યા બાદ હવે લસણે વારો કાઢ્યો છે. એક એવી ભીતિ સેવવામાં આવી રહી છે કે લસણના ભાવ ડબલ સેન્ચ્યુરી મારે એટલે કે ભાવ રૂ. 200 સુધી પહોંચી જાય તો નવાઈ નહીં. કારણકે રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણની આવક બે દિવસથી બંધ છે અને તેની અસર ટૂંકમાં જ રાજ્યના શાકભાજી બજારોમાં વર્તાશે.

એવી વિગતો સાંપડી રહી છે કે રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી લસણની આવક બંધ થઈ છે. ખેડૂતોને હાલમાં લસણના મણના એટલે કે પ્રતિ 20 કિલોના રૂ. 2000થી 2500 જેટલા ચુકવવામાં આવી રહ્યાં છે. છતાં પણ લસણના જથ્થાના અભાવે ખેંચ વર્તાઈ રહી છે. તે રીતે જોઈએ તો હાલમાં લસણનો ખરીદનો ભાવ જ રૂ. 2000થી વધુ એટલે કે પ્રતિ કિલો રૂ. 100થી વધુનો ચાલી રહ્યો છે. ત્યારબાદ શાકભાજી માર્કેટોમાં તેને પહોંચાડવાનું ભાડું, આડતિયાઓનું કમિશન, હોલસેલના વેપારીઓનું માર્જીન અને ત્યારબાદ છૂટક વેપારીઓનો નફો ગણીએ તો કદાચ લસણના ભાવ પ્રતિ કિલો રૂ. 200ને આંબી જાય તો નવાઈ નહીં.

નોંધનીય છે કે હાલમાં ડુંગળી અને ટામેટાએ લોકોને રડાવ્યા છે, શાકભાજીના ભાવો પણ ફળફળાદિના ભાવો કરતાં ઊંચે ચઢી ગયા છે. દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યાં છે ત્યારે લોકોના બજેટ શાકભાજી અને ટામેટા, ડુંગળીને કારણે ખોરવવા લાગ્યાં છે. ત્યારે જો લસણ ભરવાના સમયમાં જો લસણના ભાવોમાં પણ ભડકો ઉપડશે તો લોકોની હાલત વધુ કફોડી થાય તેવું લાગી રહ્યું છે.

Related News