ડ્રોન જેવા ફ્લાઈંગ ગેઝેટ્સ સરહદ નજીક દેખાય તો તોડી પાડવા આદેશ

સરકાર આજે સેનાને એક મોટી છૂટ આપી છે. પાકિસ્તાન પોતાના ડ્રોન મોકલીને સરહદી તણાવ ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આવી કેટલીક ઘટનાઓ સામે આવતાં હવે સેનાને આદેશ અપાયો છે કે સરહદે ડ્રોન જેવી કોઈ વસ્તુ દેખાય તો તેને ફૂંકી મારવામાં આવે, તે માટે કોઈ મંજૂરી કે આદેશની જરૂર રહેશે નહીં.

ભારતીય સેનાએ સરહદે મજબૂત કિલ્લેબંધી કરતાં છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાન આતંકવાદીઓને ઘૂસાડવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ કાશ્મીરમાં પણ 370 હટાવવા સાથે લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવાયો છે. જેથી અકળાયેલા પાકિસ્તાને ડ્રોન દ્વારા હથિયારો તેમજ સંચાર સામગ્રી મોકલવાનો નવો પેંતરો અજમાવ્યો છે.

થોડા દિવસો પૂર્વે પાકિસ્તાને ડ્રોન મારફતે એકે-47 જેવા ઘાતક હથિયારો પંજાબ સરહદેથી ભારતમાં ઘૂસાડ્યાં હતાં. આ ઉપરાંત ડ્રોન મારફતે જ પાકિસ્તાને ડ્રગ્ઝ જેવા માદક દ્રવ્યો પણ ભારતની સરહદમાં ફેંક્યાં હતાં. આ અંગે સ્થાનિક પોલીસ ઉપરાંત ભારતીય સેના પણ માહિતગાર થઈ હતી, જેથી સરકારને આની ગંભીરતા વિષે ચેતવવામાં આવી હતી.

સરકારે તમામ પરિબળો તેમજ સુરક્ષાના પાસાઓનો વિચાર કરીને એક આદેશ પાઠવ્યો છે. જેમાં ભારતીય સેનાને કહેવાયું છે કે ભારતીય સરહદમાં જો ડ્રોન કે તેના જેવી કોઈ વસ્તુ 1000 મીટર સુધીની ઊંચાઈએ જોવા મળે તો તેને તુરંત તોડી પાડવા. તે માટે કોઈ મંજૂરી કે આદેશની રાહ જોવી નહીં.

Related News