ઘારી-ભૂસુ ખાતાં પહેલા આ વીડિયો જોવાનું ચૂકતા નહીં, નહીંતર.....

સુરતના માનીતા તહેવાર ચંદી પડવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે અને સુરતીલાલાઓ ઘારી-ભૂસું તેમજ અન્ય ફરસાણ, વાનગીઓ ખરીદવા માટે પડાપડી કરવા માંડ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને કેટલાક ફોટાઓએ તોફાન મચાવ્યું છે. એવું કહેવું ખોટું નથી કે ઘારી-ભૂસું કે અન્ય ફરસાણ ખાતા પૂર્વે આ વીડિયો અને ફોટોગ્રાફ્સ જોવા જેવા ખરા.

ચંદી પડવો મુખ્ય તો સુરતનો તહેવાર છે, પરંતુ હવે રાજ્યભરમાં અને દેશ-વિદેશમાં પણ તેની ઉજવણી થવા લાગી છે. ખાસ કરીને સુરતની આગવી બ્રાન્ડ તરીકે ઓળખાતી ઘારી અને ભૂસુ ખાવા લોકો રીતસર પડાપડી કરે છે. ઘારી માટે મિઠાઈની દુકાનો કે પછી અલગથી બનાવાયેલા સ્ટોલ્સમાં અને ફરસાણ માટે પણ ફરસાણના વેપારીઓને ત્યાં લોકો લાંબી લાઈનો લગાવે છે.

વ્યક્તિ લાંબી લાઈનમાં ઉભા રહી નંબર આવે ત્યારે હોંશે હોંશે પોતાના પરિવારને આંખ સામે રાખીને જરૂર કરતાં વધુ ઘારી અને ફરસાણ ખરીદી લે છે, જેથી દાબીને ખવાય, ઓછું નહીં પડે. વેપારીઓ પણ આકર્ષક ચમકતાં પેકિંગમાં, પૂંઠાના બોક્સ કે પછી પ્લાસ્ટિકના આકર્ષક બોક્સમાં ઘારી અને ફરસાણ પેક કરીને આપે છે. જેથી એવું લાગે કે વ્યક્તિએ ખરીદેલાં ઘારી-ભૂસુ કે ફરસાણ સહિતની વાનગીઓ સ્વચ્છ, આરોગ્યપ્રદ છે.

જો કે જે વીડિયો સામે આવ્યો તે ચોંકાવનારો છે. વીડિયોમાં એક ગોડાઉનમાં ફરસાણ બની રહ્યું છે. જેમાં એક કારીગર લોટ બાંધવા માટે ખુલ્લા પગે મોટા વાસણમાં લોટને મસળી રહ્યો છે. બીજી તરફ કેટલાક એવા ફોટા પણ વાયરલ થયા છે કે ભૂસા જેવું ફરસાણ બનાવવા માટે ગોડાઉનમાં કેટલાક લોકો ખુલ્લા પગે કામ કરી રહ્યાં છે અને આ જ ભૂસુ લોકોને આકર્ષક પેકિંગમાં વેચવામાં આવશે તે નક્કી છે.

Related News