યુપીમાં હિન્દુ નેતાની હત્યા, હત્યારાઓનું સુરત અને ISIS સાથે કનેક્શન

યુપીના લખનૌમાં આજે એક હિન્દુ નેતાની કરપીણ હત્યા કરાતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીને આજે દિવાળીની મિઠાઈ આપવાના બહાને બે શખ્સો આવ્યા હતાં અને ઘરમાં ઘૂસી ગળું કાપી, ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી. જતી વેળા ડર ઉભો કરવા હત્યારાઓએ તિવારીને ગોળી પણ મારી હતી. ખાસ વાત એ છે કે બે વર્ષ પૂર્વે ગુજરાત એટીએસએ તિવારીની હત્યાની શંકા દર્શાવી હતી. જ્યારે બીજી મહત્વની ચોંકાવનારી વાત એ છે કે સુરતની એક મિઠાઈની દુકાનમાંથી હત્યારાઓએ મિઠાઈ ખરીદી હતી અને તેમાં હથિયારો સંતાડીને લઈ ગયા હતાં.

સનસનીખેજ ઘટનાની માહિતી એવી છે કે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી આજે સવારે પોતાના ઘરે હતાં. ત્યારે ભગવા રંગનો ઝબ્બો અને પેન્ટ પહેરેલાં બે શખ્સો તેમને મળવાના બહાને તેમના ઘરે પહોંચ્યાં હતાં. ઘરમાં પ્રવેશ્યા બાદ કહેવાય છે કે તેમણે થોડી પળો સાથે વીતાવી હતી. પરંતુ ત્યારબાદ લાગ જોઈને કમલેશ તિવારીનું ગળું કાપી નાંખ્યું હતું. પંદર જેટલા ચપ્પુના ઉપરાછાપરી ઘા તેમણે કમલેશના શરીરે ઝીંક્યાં હતાં. આટલું ઓછું હોય તેમ ડર ઉભો કરવા માટે હત્યારાઓએ કમલેશ પર ગોળીઓ પણ ચલાવી હતી અને નાસી છૂટ્યાં હતાં.

લખનૌની પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પરિબળોને આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં એવું જણાયું હતું કે હત્યારાઓ જે મિઠાઈ લાવ્યા હતાં તે પેકેટ સુરતની મિઠાઈનું દુકાનનું હતું અને તેમણે હથિયારો પણ આ મિઠાઈના બોક્સમાં સંતાડ્યાં હતાં. જેથી પ્રાથમિક તબક્કે પોલીસને એવું લાગ્યું હતું કે કમલેશ તિવારીની હત્યાનું કનેક્શન સુરત સાથે હોઈ શકે છે.

વધુમાં તપાસ કરતાં એવું પણ જણાયું હતું કે બે વર્ષ પૂર્વે ગુજરાત એટીએસએ બે આતંકવાદીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં તેમણે એવી સ્ફોટક કબૂલાત કરી હતી કે તેમને કમલેશ તિવારીનો વીડિયો બતાવવામાં આવ્યો છે અને તેમની હત્યા કરવા કહેવામાં આવ્યું છે. આ અંગે એટીએસએ સમગ્ર વિગતો સાથેનો એક પત્ર કેન્દ્ર સરકારને લખ્યો હતો અને જાણ કરી હતી. જો કે કમલેશ તિવારીને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું ન હતું આમ કમલેશ તિવારીની હત્યા પાછળ ISIS આતંકવાદી સંગઠનનો હાથ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

Related News