યુપીના હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યામાં ત્રણ આરોપી સુરતથી ઝડપાયા

સનસનાટીભર્યા એક ઘટનાક્રમમાં યુપીના હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા મનાતા ત્રણ આરોપીઓને પોલીસે સુરતથી ઝડપી પાડ્યાં છે. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસની તપાસ આખરે રંગ લાવી છે અને યુપી પોલીસે ગુજરાત એટીએસની આ કામગીરી સોંપી હતી. જેમાં સુરતના એક મૌલાના સહિત ત્રણ યુવકોને હત્યાના આરોપમાં દબોચીને યુપી પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. હાલના તબક્કે આ હત્યામાં આતંકવાદ સાથેનું કોઈ કનેક્શન બહાર આવ્યું નથી. અલબત્ત તિવારીની હત્યા પાછળ તેમણે 2015માં મોહંમદ પયગમ્બર વિષે આપેલું આપત્તિજનક નિવેદન કારણભૂત હોઈ શકે તેવી થીયરી પોલીસ જોઈ રહી છે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં ગઈકાલે શુક્રવારની સવારે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. બે હત્યારાઓ ભગવો ઝભ્ભો પહેરીને તેમના ઘરે પહોંચ્યા હતાં અને ગળુ કાપી તેમને રહેંસી નાંખ્યા બાદ તેમને ગોળીઓ પર મારી હતી. બંને હત્યારાઓ નાસી છૂટ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સંલગ્ન પૂરાવાઓના આધારે હત્યારાઓનું પગેરૂં દબાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં મોટી સફળતા મળી હોવાનો દાવો યુપી પોલીસ કરી રહી છે.

હત્યાના સ્થળેથી એક મિઠાઈનું બોક્સ મળી આવ્યું હતું જે સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત એક દુકાનનું હતું. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરી હતી અને ગુજરાત એટીએસને જાણ કરાતાં સુરત ક્રાઈમ બ્રાંચના સથવારે પોલીસે વીજળીક ઓપરેશન હાથ ધરી સુરતમાંથી હત્યામાં સંડોવાયેલા મનાતા ત્રણ જણાને ઝડપી પાડ્યાં છે.

પોલીસ સૂત્રો મુજબ આરોપીઓની ઓળખ રશીદ અહેમદ પઠાણ, મૌલાના મોહસીન શેખ અને ફૈઝાન તરીકે થઈ છે. પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે તેઓએ કમલેશ તિવારીની હત્યાની કબૂલાત કરી લીધી છે. હાલમાં ગુજરાત એટીએસએ ત્રણેય આરોપીઓને યુપી પોલીસને હવાલે કરી દીધાં છે અને યુપી પોલીસે તપાસ આગળ વધારી છે. નોંધનીય છે કે પોલીસ એવો દાવો કરી રહી છે કે હત્યાની કબૂલાત સાથે આરોપીઓએ એવું કહ્યું છે કે રશીદ હત્યાનો મુખ્ય આરોપી છે અને મૌલાનાએ તેમને આ કામ માટે પ્રેરણા આપી હતી. પોલીસે એવું પણ કહ્યું છે કે આરોપીઓએ ભગવો ઝભ્ભો સુરતથી જ સીવડાવ્યો હતો અને હથિયાર સુરતથી લઈને લખનૌ પહોંચ્યાં હતાં.

યુપી પોલીસ માની રહી છે કે કમલેશ તિવારીની હત્યા પાછળ તેમણે 2015માં આપેલું એક નિવેદન કારણભૂત હોઈ શકે છે. તેમણે તે વખતે મોહંમદ પયગમ્બર વિષે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ યુપીના જ કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓએ કમલેશ તિવારી પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, બે ધર્મગુરૂઓએ કમલેશ તિવારીને સજા આપવા માટે મોટી રકમનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આ કેસમાં તિવારીના પરિજનોની ફરિયાદને આધારે યુપી પોલીસે યુપીના બિજનોર ખાતેના મૌલાના અનવારૂલ હક્ક અને મુફ્તી નઈમ કાઝી વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની ધરપકડ કરી લીધી છે. યુપી પોલીસ હવે યુપી અને સુરતથી ઝડપાયેલા આરોપીઓ વચ્ચેનું કનેક્શન શોધી રહી છે.

Related News