ડીંડોલીના જ્વેલર્સની નજર ચૂકવી 1.33 લાખની 13 વીંટી સેરવી બે ગઠીયા ફરાર

ડીંડોલી કરાડવા રોડ માધવ કોમ્પલેક્ષ સ્થિત જવેલર્સની એક દુકાનમાં બે અજાણ્યા ચીટરો ખરીદી કરવાના બહાને આવ્યા હતા. ખરીદી કરવાનો ઢોંગ રચી એક પછી એક ઘરેણાં જોવા માંગી બંને જણાંએ એકબીજાની મદદગારીમાં જવેલર્સની નજર ચુકવી રૂ. ૧.૫૫ લાખની સોનાની ૧૩ વીંટીઓ ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

ઉત્તર પ્રદેશના જોનપુર જીલ્લાના મડીયાહુ તાલુકાના નેવડીયા બાજાર ગામના મૂળ વતની અને હાલમાં ડીંડોલી મોના નગર ખાતે રહેતા ક્રિપાલચંદ છોટેલાલ સોની, ડીંડોલી કરાડવા રોડના માધવ કોમ્પલેક્ષમાં માં શારદા જવેલર્સ નામે દુકાન ચલાવે છે. તા. ૧૭મીના રોજ બપોરના સમયે બે અજાણ્યા યુવકો ખરીદી કરવાના બહાને દુકાનમાં આવ્યા હતા. બંને જણાંએ ક્રિપાલચંદ પાસે એક પછી એક સોનાના દાગીના જોવા માટે માંગ્યા હતા. ક્રિપાલચંદ દાગીના બતાવવામાં વ્યસ્ત હતા તે દરમિયાન બંને જણાંએ એકબીજાની મદદગારીથી ક્રિપાલચંદની નજર ચૂકવી રૂ. ૧.૫૫ લાખની સોનાની ૧૩ વીંટીઓ સેરવી લીધી હતી અને ખરીદી માટે અણગમાનો ઢોંગ કરી ત્યાંથી પલાયન થઇ ગયા હતા.

થોડી સમય બાદ ક્રિપાલચંદને વીંટીઓ ઓછી દેખાતાં તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં બંને યુવકો જ વીટીઓ ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ક્રિપાલસીંગે ડીંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધી ચીટર યુવકોને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યાં છે.

Related News