કાબુલની મસ્જિદમાં જુમ્માની નમાજ વેળા ટ્વિન બ્લાસ્ટ, 62નાં મોત

અફઘાનિસ્તાનના પાટનગર નાંગરહાર પ્રાંતની એક મસ્જિદમાં આજે જુમ્માની નમાજ વેળા બે બ્લાસ્ટ થતાં 62 નમાજીઓનાં મોત થયા છે, જ્યારે 60થી વધુ નમાજીઓને ગંભીર રીતે ઈજા થઈ છે. એક બ્લાસ્ટમાં મસ્જિદની છત ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. જો કે હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી.

સ્થાનિક મીડિયા સૂત્રો મુજબ અફઘાનિસ્તાનના કાબુલના પૂર્વી પ્રાંતમાં સ્થિત હસ્કા મેયના જિલ્લાના જો ડેરા વિસ્તારની એક મસ્જિદમાં બપોરે બેએક વાગ્યાના અરસામાં ઉપરાછાપરી બે બ્લાસ્ટ થયા હતાં. શુક્રવારનો દિવસ હતો અને જુમ્માની નમાઝ ચાલી રહી હતી. મસ્જિદમાં અંદાજે 350થી પણ વધુ શ્રદ્ધાળુઓ નમાજ પઢી રહ્યાં હતાં, તે વેળા બ્લાસ્ટ થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

સૂત્રો મુજબ બ્લાસ્ટમાં 62 નમાજીઓના મોત નીપજ્યાં હતાં. એક બ્લાસ્ટથી મસ્જિદની છત તૂટીને નમાજીઓ પર પડી હતી અને તેને કારણે પણ અનેકનાં મોત નીપજ્યાં હતાં. શરૂઆતમાં મૃતકોની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી હતી, પરંતુ ઘણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતાં, જ્યાં કેટલાકને મૃત જાહેર કરાયા હતાં, તો કેટલાકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે આ વિસ્તારમાં ISIS અને તાલિબાન એમ બે આતંકવાદી સંગઠનોનું વર્ચસ્વ રહેલું છે. જો કે આ હુમલા પાછળ કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

Related News