કામરેજના ઠગે પૂણાના વ્યક્તિની બોલેરો ભાડે લીધી, બીજાને વેચીને રોકડી કરી નાંખી

પૂણામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિને કામરેજના ઠગનો કડવો અનુભવ થયો છે. ઠગે એડવાન્સ ભાડુ આપીને બોલેરો ભાડેથી લીધી હતી. જો કે નિયત તારીખે બોલેરો જીપ પરત કરી ન હતી. તપાસ કરતાં પૂણાના વ્યવસાયીને જાણવા મળ્યું હતું કે ઠગબાજે બોલેરો જીપ અન્ય કોઈને વેચી નાંખી રોકડી કરી લીધી છે. જેથી તેમણે આ અંગે પૂણા પોલીસની મદદ માંગી છે.

અમરેલીના બગસરા તાલુકા સ્થિત હામાપુર ગામના વતની અને હાલમાં પુણા ગામ સ્વામિ નારાયણ મંદીર પાસે શંકર નગર ખાતે રહેતા પ્રવિણભાઇ મેઘજીભાઇ કુંભાણી ગાડી ભાડે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈ તા. ૨૨મી જુલાઇએ જામનગર મોમાઇ પાનવાળી શેરી સ્થિત ગોકુળનગરનો મૂળ વતની તેમજ  હાલમાં કામરેજ તાલુકાના વેલંજા સ્થિત કૃષ્ણ રેસીડેન્સીમાં રહેતો મનોજ ઉર્ફે મનુ હિરા પરમાર નામનો યુવક પ્રવિણભાઇ પાસે ગાડી ભાડે લેવા માટે આવ્યો હતો. મનોજની ઈચ્છા પ્રમાણે પ્રવિણભાઈએ પોતાની જીજે-૧૦-ટીવી-૧૪૧૦ નંબરની બોલેરો પીક અપ જીપ ભાડે ફેરવવા માટે મનોજને આપી હતી. બદલામાં મનોજે એડવાન્સમાં ભાડુ આપી પ્રવિણભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો. મનોજ ગાડી ભાડે ફેરવવા માટે લઇ તો ગયો હતો પરંતુ આપેલા ભાડા મુજબ નક્કી કરેલી સમય મર્યાદા બોલેરો પરત ન આપી જતાં પ્રવિણભાઇએ મનોજનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો.

પ્રવિણભાઇને ફાળ પડી હતી અને તપાસ કરતા મનોજે ભાડે લીધેલી બોલેરો જામનગર ખાતે લઘદીરભાઇ ગોદાનીને વેચી નાંખી હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી હતી. પ્રવિણભાઈને ખ્યાલ આવી ગયો હતો કે મનોજે પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. બોલેરો ભાડે લઈ જવાના બહાને તેણે બોલેરો બીજાને વેચીને રોકડી કરી લીધી છે. જેથી પ્રવિણભાઈએ તુરંત પૂણા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોતાની સાથે રૂ. 4.50 લાખની છેતરપિંડી થઈ હોવાનું બતાવતાં પોલીસે મનોજ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરવા સાથે બોલેરો રીકવર કરવાના પ્રયત્નો હાથ ધર્યાં છે.

Related News