SOG પોલીસને મોટી સફળતા, 4.45 લાખની મતા સાથે ત્રણ ચોરટાને દબોચી લીધાં

સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ઘરફોડ ચોરી, લૂંટ, સ્નેચિંગ જેવા બનાવોએ ભયનો માહોલ ઉભો કર્યો છે. ત્યારે સુરત શહેર SOG પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. આવી ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલા ત્રણ ચોરટાઓને પોલીસે દબોચી લીધાં છે. જેમની પાસેથી ચોરીની ત્રણ મોટરસાયકલો સહિતની 4.45 લાખની મત્તા જપ્ત કરી છે. ઉપરાંત ચોરટાઓએ શહેરમાં સાત જેટલી ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપ્યાનું પણ કબૂલાત કરતાં પોલીસે તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SOG પોલીસના જણાવ્યા મુજબ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ત્રણ શંકાસ્પદ યુવકો ઉમરા પનાસ પદ્માનગર એસએમસી આવાસના દરવાજા પાસે કોઈ પ્લાન ઘડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી ત્રણેયની પૂછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ નહીં આપી શકતાં પોલીસે કડકાઈભરી પૂછપરછમાં તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમણે ચોરી અને લૂંટના કેટલાક ગુનાઓ આચર્યાની કબૂલાત કરતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

ચોરટાઓની ઓળખ સોનુ ઉર્ફે જેક રાજુ પાડવી (ઉ.વ. 20 રહે. પરવત ગામ લિંબાયત મૂળ નંદુરબાર મહારાષ્ટ્ર), સોનુ ઉર્ફે સોનુ બિહારી ઉર્ફે અજય રવિશંકર ઉપાધ્યાય (ઉ.વ. 20 રહે. બમરોલી પુલ પાસે ઉધના મૂળ રહે. છપરા બિહાર) અને રવિશંકર ઉર્ફે લંબુ ઉર્ફે પંકજ વિક્રમસિંગ કુર્મી પટેલ (રહે. ભટાર ચાર રસ્તા, મૂળ રહે. અલ્હાબાદ યુપી) કરવામાં આવી હતી.

પોલીસે તેમની પાસેથી ચોરેલા ચાર મોબાઈલ ફોન, ત્રણ લેપટોપ, એક આઈપોડ, બે બેગ, બે ફોર વ્હીલ કારની ચાવી અને ત્રણ મોટરસાયકલ તેમજ રૂ. 5000ની રોકડ મળી કુલ્લે રૂ. 4,45,000ની મત્તા જપ્ત કરી છે.

આરોપીઓએ કબૂલાત કરી હતી કે મોડી રાત્રે કે વહેલી સવારના સમયે તેઓ મોટરસાયકલની ચોરી કરતાં હતાં અને તેના પર સોસાયટીઓમાં ફરી જે મકાનમાં ગ્રીલ વગરની સ્લાઈડિંગ બારીઓ હોય તેને ટારગેટ કરી, બારીઓ વાટે ઘરમાં પ્રવેશી મોબાઈલ ફોન, લેપટોપ, રોકડા રૂપિયાના ચોરી કરતાં હતાં. આ ઉપરાંત વહેલી સવારે રસ્તા પર એકલદોકલ જઈ રહેલાં રાહદારીઓને ચપ્પુ બતાવી લૂંટી પણ લેતાં હતાં.

SOG પોલીસના જણાવ્યા મુજબ ચોરટાઓએ ઉમરા પોલીસ મથકની હદમાં ચાર, પાંડેસરા પોલીસ મથકની હદમાં એક અને ખટોદરા પોલીસ મથકની હદમાં બે ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપ્યાનું કબૂલી લીધું છે. ભૂતકાળમાં પણ આરોપીઓ પર ઉમરા અને ખટોદરા પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

Related News