લૂમ્સ કારખાનેદાર રૂ. 12.35 લાખનું જોબવર્ક કરાવી ફરાર, ઘરનું સરનામુ ખોટું નીકળ્યું

ઉધના મગદલ્લા રોડ પર લૂમ્સનું ખાતુ ધરાવતાં એક કારખાનેદારે 1,840 મીટરના ગ્રે કાપડ પર જોબવર્ક કરાવ્યું હતું. જો કે તેની અવેજ પેટે રૂ. 12.35 લાખનું પેમેન્ટ ચુકવવાના સમયે વાયદા શરૂ કર્યાં હતાં. થોડો સમય કાઢી તે કારખાનું બંધ કરી ફરાર થઈ ગયો હતો અને તેનું ઘરનું સરનામુ પણ ખોટું નીકળતાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામના મૂળ વતની અને હાલ મોટા વરાછા દ્વારકેશ્વર નગરી સોસાયટી ખાતે રહેતા યોગેશભાઇ મંગલદાસ ધાનાણી ગ્રે કાપડ પર જોબવર્કના ધંધા સાથે સંકળાયેલા છે. જુલાઇ ૨૦૧૯માં ભાવનગરના તળાજા તાલુકાના શોભાવડ ગામના વતની અને હાલ ગોડાદરા શ્યામલધામ સોસાયટીમાં રહેતા તેમજ ઉધના મગદલ્લા રોડ રૂપલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમ્સનું કારખાનું ધરાવતા ભુપત જગાભાઈ કલસરીયાએ, ગ્રે કાપડ ઉપર જોબવર્ક કરાવવા માટે યોગેશભાઇનો સંપર્ક કર્યો હતો.

ભૂપતે જોબવર્કનો ભાવતાલ નક્કી કરી ધારાધોરણ મુજબ પેમેન્ટ કરવાની બાંહેધરી આપીને યોગેશભાઈ પાસે ૧,૮૪૦ મીટરના કાપડ પર જોબવર્ક કરાવ્યું હતું. યોગેશભાઇએ ભૂપતના કાપડ પર જોબવર્ક કરી સમયસર તૈયાર કાપડ ભૂપતને મોકલી આપ્યું હતું. તેની સાથે જ જોબવર્ક મજુરીના રૂ. ૧૨.૩૫ લાખનું બિલ પણ મોકલી આપ્યું હતું. જો કે નક્કી થયા મુજબ ભૂપતે સમયસર પેમેન્ટ નહીં આપતાં યોગેશભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી.

વારંવારની ઉઘરાણી છતાં પેમેન્ટ નહીં મળતાં યોગેશભાઈએ વધુ તપાસ કરી ત્યારે ખબર પડી કે ભૂપતે ઉધના મગદલ્લા રોડનું લૂમ્સનું કારખાનું જ બંધ કરી દીધું છે. તો યોગેશભાઈ ભૂપતનો સંપર્ક કરવા માટે તેના ઘરના સરનામે પહોંચ્યાં હતાં, જો કે ત્યાંથી એવી ચોંકાવનારી માહિતી સાંપડી કે ભૂપત આ ઘરમાં રહેતો જ ન હતો, તેણે ખોટું સરનામુ આપી યોગેશભાઈને છતર્યા હતાં.

જેથી યોગેશભાઈએ ખટોદરા પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી અને પોતાની સાથે રૂ. 12.35 લાખની છેતરપિંડી થયાનું જણાવતાં પોલીસે ભૂપત વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

Related News