ભારતનો સપાટો, પાક.ના પાંચ સૈનિકો અને 20થી વધુ આતંકીઓને ફૂંકી માર્યા

પાકિસ્તાનની સતત અવળચંડાઈને પગલે કાશ્મીર સરહદે યુદ્ધ જેવી તંગદિલી સર્જાઈ ગઈ છે. આજે સવારે તંગધાર સેક્ટરમાં પાકિસ્તાને આતંકવાદીઓને ઘૂસાડવા માટે યુદ્ધવિરામ ભંગ કરીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થઈ ગયા હતાં. આ ઉપરાંત એક નાગરિકનું મોત પણ થયું હતું. ત્યારબાદ અકળાયેલી ભારતીય સેનાએ વળતો હુમલો કર્યો હતો અને ભારતમાં બેઠા બેઠાં જ આર્ટિલરી ગન એટલે કે તોપોથી હુમલો કરી પાકિસ્તાનમાં સ્થિત ત્રણ જેટલા આતંકવાદીઓના લોન્ચ પેડ ફુંકી માર્યા હતાં. આ હુમલામાં 20થી વધુ આતંકવાદીઓ ઉપરાંત તેમને મદદ કરી રહેલાં પાંચ જેટલા પાકિસ્તાની સૈનિક પણ માર્યા ગયા હોવાની વિગતો સાંપડી છે.

રક્ષા સૂત્રો મુજબ આજે રવિવારની સવારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા નજીક તંગધાર સેક્ટરમાં ભારતીય સુરક્ષા ચોકીઓ ઉપરાંત રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાની સેનાના આ ઓચિંતા ગોળીબારમાં બે જવાનો શહીદ થઈ ગયા હતાં. જ્યારે એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે ત્રણથી વધુ નાગરિકોને ગંભીર ઈજા થઈ હતી.

પાકિસ્તાનના આ ગંભીર હુમલાથી અકળાયેલી ભારતીય સેનાએ વળતો હુમલો કર્યો હતો. પીઓકે એટલેકે પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરના નિલમ ઘાટી વિસ્તારને ભારતીય સેનાએ નિશાન બનાવ્યા હતાં. તંગધાર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કરેલો ગોળીબાર આતંકવાદીઓની ઘૂસણખોરી માટેનો હોવાથી ભારતે આતંકવાદી કેમ્પોને જ સીધા નિશાન બનાવ્યા હતાં.

ભારતીય સેનાના સૂત્રો મુજબ આર્ટિલરી ગન્સ એટલે કે આધુનિક તોપોથી ભારતની સરહદમાં જ રહીને પાકિસ્તાનમાં મોટાપાયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદીઓના સ્થળોને મુખ્યત્વે નિશાન બનાવાયા હતાં. સૂત્રો મુજબ આ કાર્યવાહીમાં આતંકવાદીઓના સાત જેટલા લોન્ચ પેડને ફૂંકી મારવામાં ભારતીય સેનાને સફળતા મળી છે. જ્યારે આ તોપમારામાં 22 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાના સૂત્રો મુજબ ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકવાદીઓની મદદ કરી રહેલાં પાકિસ્તાની સેનાના પાંચ જેટલા જવાનો પણ માર્યા ગયાં છે.

ભારતના આ વળતા હુમલાથી પાકિસ્તાની સેના સ્તબ્ધ બની ગઈ છે એટલું જ નહીં ભારતના હુમલામાં તેમને મોટું નુક્સાન થયાનું પણ સ્વીકાર્યું છે. બીજી તરફ પાકિસ્તાને ભારતીય રાજદૂતને આ મુદ્દે સમન્સ પાઠવ્યું છે અને આવતીકાલે સોમવારે આ મુદ્દે બંને દેશોના સેનાધિકારીઓની બેઠક યોજાય તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે.

Related News