વૃદ્ધને ઝેરી સાપ કરડ્યો, 108ની ટીમે ઓન સ્પોટ, ઓનરૂટ ટ્રીટમેન્ટ આપી નવજીવન બક્ષ્યું

ખરવરનગર પાસે ૬૦ વર્ષીય એક વૃદ્ધને ઝેરી સાપે ડંખ મારતા બેહોંશ થઈ ગયા હતા. જો કે એક રાહદારીની નજર પડતા તેણે ૧૦૮ને જાણ કરી હતી. તુરંત દોડી આવેલી ૧૦૮ની ટીમે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલાં વૃદ્ધને ઓન સ્પોટ અને ઓન રૂટ ઈમરજન્સી સારવાર આપીને નવજીવન બક્ષ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ૬૦ વર્ષીય વસંતભાઈ પટેલ ખરવરનગર નજીક ન્યુ આશીર્વાદ નગરમાં પરિવાર સાથે રહે છે. શનિવારે સાંજે વંસતભાઈને ખરવરનગર પાસે એક ઝેરી સાપે ત્રણેક ડંખ મારતા બેહોંશ થઈને પડી ગયા હતા. ત્યાંથી પસાર થઈ રહેલાં એક રાહદારીની નજર જતા તેણે તુરંત ૧૦૮ને જાણ કરી હતી.

પ્રશંસનીય રીતે માનદરવાજા લોકેશનના ૧૦૮ના ઈએમટી વિશાલ પડસાલા, પાયલોટ નિલેષ રાઠવા  અને તેમની ટીમ ત્રણ કિમીનું અંતર ચાર જ મિનિટમાં કાપીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દર્દીની તપાસ કરતા જાણ થઈ હતી કે, ઝેરી સાપે ડાબા હાથની બીજી અને ત્રીજી આંગળીમાં એક સાથે ત્રણથી ચાર ડંખ માર્યા હતા.

બેહોંશ વસંતભાઈને તાત્કાલિક ૧૦૮માં લઈને બંને હાથમાં સોય નાંખીને બંને હાથમાં બોટલ ચડાવી હતી અને સાથે સાથે એન્ટી સ્નેક વિનમ નામના ચાર ઇન્જેક્શન બોટલમાં નાખી સારવાર શરૂ કરી હતી. વસંતભાઈને ઉલ્ટી થવા સાથે પરસેવો છૂટવા લાગ્યો હતો. ત્યારે ઈએમટીએ અમદાવાદ હેડ ઓફિસ સ્થિત ઈઆરસીપી ડો. વિષ્ણુ પટેલની સલાહથી પાંચ પ્રકારના અન્ય ઇન્જેક્શનો આપ્યાં હતાં. ત્યારબાદ દર્દીને ૯ મિનિટમાં સ્થળથી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. દર્દીને ઓનરૂટ ઈમરજન્સી સારવાર આપી દર્દીને નવજીવન બક્ષ્યું હતું.

Related News