સુરત શહેર અને જિલ્લાના અગ્રણી ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા

દિવાળીના પર્વને હવે માંડ આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યાં છે ત્યારે જીએસટી વિભાગે શહેર અને જિલ્લાના ફટાકડાના વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરતાં વેપારીઓમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ છે. સ્ટેટ જીએસટી વિભાગને ફટાકડાના વેપારીઓ દ્વારા ગેરરીત કરાઈ હોવાની શંકા ઉઠતાં શહેરના જાણીતા વેપારી શિવ ક્રેકર્સમાં સ્ટોકની ચકાસણી હાથ ધરવામાં આવી છે. તો નવસારી અ બારડોલીના લક્ષમી ક્રેકર્સ ફરતે પણ અધિકારીઓએ ચોપડા ફંફોસવા શરૂ કર્યાં છે.

સુરત એસજીએસટીની ટીમને સાથે રાખીને અધિકારીઓએ ફટાકડાના વેપારીઓને નિશાન બનાવ્યા હતા. ફરી એક વાર રડાર પર નવસારી બજારના શિવ ક્રેકર્સનું નામ આવ્યું છે. અગાઉ પણ આ વેપારીને ત્યાં તપાસ થઈ ચૂકી છે. અમદાવાદની ટીમ દ્વારા આ વેપારીનું નામ મોકલી તપાસ શરૂ કરાવવામાં આવી હતી. બીજી તરફ નવસારી અને બારડોલીમાં લક્ષ્મી ક્રેકર્સને ત્યાં પણ ટીમો પહોંચી હતી અને સ્ટોકનું વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અધિકારીઓ હિસાબી ચોપડા અને અત્યાર સુધી કેટલો જીએસટી ભર્યો છે એની વિગતો પણ ચકાસી રહ્યા છે. શહેરમાં અનેક વેપારીઓ દિવાળી અગાઉ કરોડો રૂપિયાના ફટાકડાનો સ્ટોક ભરાવાતા હોય છે. અધિકારીઓને શંકા છે કે, અનેક વેપારીઓ પૂરતો સ્ટોક ચોપડે બતાવતા નથી અને બેનંબરમાં જ મોટા ભાગનો સ્ટોક વેચી નાંખે છે. જેને પગલે ફરી એક વાર જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરતાં શહેર તેમજ જિલ્લાના ફટાકડાના વેપારીઓમાં ફફડાટની લાગણી ફરી વળી છે.

Related News