જહાંગીરપુરા પાસે કારચાલકને મ્હોં પર સ્પ્રે છાંટી લૂંટી લેવાતાં ખળભળાટ

શહેરના છેવાડેના જહાંગીરપુરા નજીક વરિયાવ રોડ પર એક સનસની લૂંટના સમાચાર સામે આવ્યા છે. કાર લઈને નોકરીથી ઘરે પરત ફરી રહેલાં એક યુવકને ચાર લૂંટારૂઓએ મોટરસાયકલો રોકી આંતર્યો હતો અને તેના મ્હોં પર સ્પ્રે છાંટી રૂ. 10 હજારની રોકડ સહિતની ઘાતકી લૂંટને અંજામ આપી નાસી છૂટ્યાં હતાં. સતત ટ્રાફિકથી ધમધમતાં આ રોડ પર રાત્રીના નવેક વાગ્યાની સુમારે આ ઘટના બનતાં ભયનો માહોલ ફરી વળ્યો છે.

તાપી જીલ્લાના વ્યારા તાલુકાના ઝાંખરી ગામના વતની અને હાલ અમરોલી છાપરાભાઠા રોડ મણીબા પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઇ મંગુભાઇ ગામીત નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૧૮મી એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાની જીજે-૨૬-૪૪૨૫ નંબરની ઇકો કારમાં નોકરીએથી નિકળી પોતાના ઘરે જઇ રહ્યાં હતા.

તે દરમ્યાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં હજીરા હાઇવે વરીયાવ સી.જે.પટેલ કોલેજ પાસેથી પસાર થતી વેળા મોપેડ પર આવેલા ચાર લુંટારૂઓએ એકબીજાની મદદથી સંજયભાઇની ગાડીની આગળ પોતાની એકટીવા ઉભી કરી દીધી હતી. સંજયભાઈ હજુ તો કંઈ વિચારે તે પૂર્વે જ લુંટારૂઓએ તેમના મ્હોં પર સ્પ્રે છાંટતાં સંજયભાની આંખો બળવા લાગી હતી. લૂંટારૂઓ કારમાંથી ફલેટના વેચાણ સાટાખત દસ્તાવેજની નકલ, પેનડ્રાઇવ, રોકડા રૂ. ૧૦ હજાર, ડ્રાઇવીંગ લાયસન્સ, આરસી બુક, બેકના ક્રેડીટ કાર્ડ અને ચેક ભરેલી બેગ લુંટીને ભાગી છુટ્યા હતા.

બનાવ સંદર્ભે સંજયભાઇએ કોઈ કારણોસર ૬ મહિનાના વિલંબ બાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે તમામ પાસાઓ ચકાસી અજાણ્યા લૂંટારૂઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News