વરાછામાં પોલીસની રેડ, રૂ. 1.20 લાખની મત્તાની ડુપ્લીકેટ બીડી ઝડપી પાડી

વરાછા પોલીસે ફરિયાદ મળી હતી કે કુબેરનગરની એક ટોબેકો શોપમાં કેટલીક જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે છાપો મારતાં જુદી જુદી કંપનીઓની બ્રાન્ડની રૂ. 1.20 લાખની ડુપ્લીકેટ બીડીઓ મળી આવી હતી. પોલીસે કોપીરાઈટ અંગેનો કેસ કરી બંને વેપારીઓને વરૂણીમાં લીધાં છે.

અમરોલી છાપરાભાઠા રોડ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા જયેશકુમાર ચંદુલાલ ઠક્કર જાણીતી બીડી કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકેની ફરજ બજાવે છે. જયેશકુમારને માહિતી મળી હતી કે વરાછા કુબેર નગર નજીક સ્વાગત એપાર્ટમેન્ટમાં મહાવીર ટોબેકો નામની દુકાનમાં કંપનીની ડુપ્લીકેટ બીડીનું ધુમ વેચાણ કરી કંપની સાથે વિશ્વાસઘાત કરી નુકશાન પહોંચાડાઈ રહ્યું છે. જેથી જયેશકુમારે વરાછા પોલીસ મથકમાં છેતરપીંડી અને કોપીરાઇટ એકટની કલમ હેઠળ ટોબેકો શોપ સામે ફરીયાદ નોધાવી હતી.

પોલીસે ફરિયાદ મુજબ સ્વાગત એપાર્ટમેન્ટ સ્થિત મહાવીર ટોબેકોમાં છાપો માર્યો હતો. ત્યારે દુકાનમાંથી શંભાજી અને શિવાજી કંપનીની, ચારભાઇ કંપનીની, ૩૦ નંબર, સ્પેશ્યલ ટેલીફોન, મુકતા અને સાયના કંપની તથા અન્ય કંપનીઓની પેકીંગ મટીરીયલના સામાનમાંથી મોટી સંખ્યામાં ડુપ્લીકેટ બીડીના પેકેટ મળી આવ્યા હતા. દુકાનમાં આવી જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ બીડીઓનું ધૂમ વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી.

જેથી પોલીસે કુલ રૂ. ૨૧.૬૦ લાખની કિંમતની મનાતી ડુપ્લીકેટ બીડીઓ કબજે કરી હતી. પોલીસે ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરતાં દુકાનદાર ભાવનગર ગારીયાધાર તાલુકાના રૂપા ગામનો વતની અને હાલ કુબેર નગરના સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા મનિષ બાબુ સંઘવી અને નાગેન્દ્ર વિઠ્ઠલ શિંગારને ઝડપી પાડી તેમના વિરુદ્ધ રજીસ્ટ્રેશન તેમજ કોપીરાઈટ એક્ટના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related News